૮૦ વર્ષ પહેલાં બારમી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચ કરીને હક માટેની લડાઇનો જે માર્ગ બતાવ્યો તે રાજકારણીઓ માટે એક્સપ્રેસ વે બની ગયો છે. શું આપણે ગાંધીચીંઘ્યા માર્ગે ચાલીએ છીએ?
રાજકોટના એક માર્ગને પંદરેક વર્ષ પૂર્વે વજુ કોટક નામ આપવામાં આવ્યું અને તે નામકરણ વિધિ પછી મોરારીબાપુએ પ્રવચનમાં એવું કહ્યું હતું કે રસ્તાને નામ આપી દેવાથી કામ પૂર્ણ થતું નથી, સાચી શ્રઘ્ધાંજલિ તો ત્યારે કહેવાય જ્યારે તે વ્યક્તિના અધૂરા કામો આપણે કરીએ, તેમણે બતાવેલા માર્ગ પર ચાલીએ.
બાપુની આ વાતમાં સંમત થવાનું મન થાય તેમ છે કારણ કે આપણે મહાન લોકોના જીવન અને આદર્શોને પ્રતિમા કે મ્યુઝિયમો કે પુસ્તકો પુરતાં જ લગભગ રહેવા દઇએ છીએ, કે પછી કોઇ અંગત લાભ માટે તે નામ લઇએ છીએ. જેને લીધે જીવન યોગ બની શકે તેવા લોકોના નામનો ઉપયોગ એ પરંપરા છે અને આપણા દેશમાં આવું નામ છે મહાત્મા ગાંધી.
વર્તમાનપત્રોના પ્રેસનોટના ડેસ્ક પર જા કાગળો આવે તેમાં દરરોજ પાચ-છ પ્રેસનોટમાં નીચે એવું લખ્યું જ હોય કે, 'જો અમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધીચીંઘ્યા માર્ગે આંદોલન થશે.' લખવા માટે તો આ વાત તદ્ન સહેલી છે પરંતુ ક્યારેક શાંતિથી વિચાર કરવા જેવો છે કે શું છે આ ગાંધીચીંઘ્યો માર્ગ?
આમ તો ગાંધીજી જાન્યુઆરી અને ઑક્ટોબરમાં જ યાદ કરવાની 'નેશનલ બ્રાન્ડ' છે પરંતુ જો તેઓના ચીંધેલા માર્ગ થકી તેમને યાદ કરવા હોય તો માર્ચની ૧૨મી તારીખ શ્રેષ્ઠ છે કેમ કે તે દાંડીકૂચનો આરંભ થયો હતો અને આખો દેશ મીઠાની એક ચપટીથી જાગ્યો હતો.
અમદાવાદથી દાંડી સુધીની આ યાત્રા ગાંધીચીંઘ્યા માર્ગની સાચી ઓળખ કહી શકાય અને ગાંધીચીંઘ્યો માર્ગ એ કોઇ લીસો કે પહોળો રાજમાર્ગ નથી તે અટપટ્ટી, કાંટાળી કેડી છે. હા એટલું ચોક્કસ કે તેનો છેડો ચોક્કસ પ્રકારની ઉંચાઇએ આવે છે. પરંતુ ગાંધીચીંઘ્યા માર્ગની આપણી વ્યાખ્યા અને તેના મૂળ તત્વો બંન્નોમાં મોટા તફાવત છે.
શેખાદમ આબુવાલા અહીં કેમ ન સ્મરે? 'ગાંધી તું સસ્તો બની ગયો, તારે નહોતું થવું પણ શિરસ્તો બની ગયો, તને ખબર છે તારું થયું છે શું?, તું ગાંધીનગર જવાનો રસ્તો બની ગયો' ગાંધીજીને વર્ષોથી સૌએ પોતપોતાનું સાઘ્ય હાંસલ કરવાનું સાધન તરીકે લીધા છે અને તેથી જ ગાંધીચિંઘ્યો માર્ગ ઓન પેપર રહ્યો છે. બાકી તેમના પોતાના જ શબ્દોનું સ્કેનિંગ કરીએ તો ખ્યાલ આવે કે ત્યાં ચાલવું અઘરૂ છે.
સ્વતંત્રતા-ઇન્ડિપેન્ડસનો અર્થ આપણે તદ્દન જુદો અને ખોટો કરીએ છીએ. સ્વતંત્ર હોવું એટલે આપણા માટે કોઇપણ ઓફિસમાં કોઇપણ તંત્ર સામે ગમે તેવી માંગણીઓ મુકવી અને તે ન સંતોષાઇ તો પથ્થરો મારવા, ચક્કાજામ કરવા. અલબત્ત લોકતંત્રમાં કોઇપણ સત્તા લોકોની સેવા માટે છે અને તે સેવા મેળવવાનો લોકોનો હક છે.
પરંતુ સ્વતંત્રતાનો ગર્ભિત ગાંધીયન મિનિંગ તો એ થાય છે કે લોકો પોતે જ પોતાનું તંત્ર ચલાવે. સફાઇ હોય કે અન્ય સેવા કોઇ સત્તા પર અવલંબન શા માટે રાખવું? ગાંધીજીને જ્યારે દક્ષિણ આફ્રિકામાં કડવા અનુભવ થયા ત્યારે તેઓ હેર ડ્રેસર કે લોન્ડ્રીવાળા સાથે ઝઘડવા નહોતા ગયા તેમણે પોતે જ તે વ્યવસ્થા કરી લીધી હતી. આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા તદ્દન જુદી જ છે.
આપણે ત્યાં ટ્રાફિક કે અન્ય સમસ્યા માટે ટીપ્પણી કરનારા અને આક્ષેપો કરનારા અનેક લોકો છે તો રાજકીય પક્ષો તો શાસકોને કોઇપણ રીતે ઝુડવાની તક શોધતા હોય છે. ગાંધીજીનું વલણ કંઇક જુદું જ હતું. અસ્વચ્છતા કે અરાજકતાની ટીકા કરનારા કોઇ પક્ષે કોઇ દિવસ પોતાના ૧૦૦ કાર્યકરને પણ એવી જવાબદારી સોંપી? કે તેઓ વહીવટીતંત્રની સાથે રહીને જાહેરસેવા સુધારવાનું કામ કરે.
માત્ર સુત્રોચ્ચાર કરવા તે સ્વતંત્રતા નથી. ખરી સ્વતંત્રતા લોક અને તંત્ર વચ્ચે એકસૂત્રતા ચ્ચાય તેમાં છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક આપણી પાસે જ છે. ફરજ છોડીને હક માટે લડવા જઇશું તો તે ઝાંઝવાના નીર જેવું છે - બેંક અને અન્ય સરકારી યુનિયનોને ગાંધીજીના આ અવતરણ અર્પણ છે.
લોક અને તંત્રમાં અલગ ન હોય પરંતુ બંન્નો એકબીજાના પુરક અને આધાર બની શકે તેવી વિભાવના ગાંધીજીના વિચોરમાંથી ટપકતી હતી અને તેમણે ખોટા હક માટે ક્યારેય આગ્રહ નહોતો રાખ્યો એટલે તો તેમના જીવનનું અન્ય એક નામ પણ છે-સત્યાગ્રહ. પ્રજાએ ગાંધીજી પાસેથી શીખવાનું છે તો શાસકોએ પણ ગાંધીચીંઘ્યા માર્ગે સફર કરવાની છે.
'આપણે સૌ એક પિતાના સંતાન' પુસ્તકમાં બાપુના આ શબ્દો છે. મને નામની રાજ્ય સત્તા નથી જોઇતી કામની જોઇએ છે. આ આપણું સાઘ્ય નથી પણ પ્રજાની સ્થિતિ દરેક રીતે સુધારવાનું સાધન છે. 'સાચો પ્રજાવાદી એ જ છે જે શુઘ્ધ અહિંસક સાધનોથી પોતાની અને પોતાના દેશની અને સરવાળે આખી માનવ જાતિની સ્વતંત્રતાની રક્ષા કરશે'.
ગાંધીજીને નબળાનું બળ કહેવાયા છે અને તેમણે પ્રજાને સતત પ્રેરણા આપી છે. 'આપખુદ સરકાર પણ તેની રૈયતની સંમતિ વિના ટકી શકે નહીં, રૈયત આપખુદ શાસકના પશુ બળથી ડરથી બંધ થતાની સાથે તેની સત્તા નષ્ટ થાય છે.
પોતાના હકને નુકસાન ન પહોંચતું હોય ત્યારે ઉપરી સત્તાને અરજ કર્યા છતાં દાદ ન મળે તો સહન કરવું રૈયતની ફરજ છે. પરંતુ અસહ્ય દુ:ખની સામે થવાનો દરેક પ્રજા તેમજ વ્યક્તિનો હક્ક તેમજ ધર્મ છે'
ગાંધીજીના વિચારો અને વ્યક્તિત્વ હંમેશા ચર્ચાસ્પદ રહ્યા છે અને બ્રહ્મચર્ય સહિતની તેમની અનેક બાબતો એવી છે જેમાં આપણે અસંમત હોઇ શકીએ. પરંતુ તે બધું જ બાદ કર્યા પછી પણ ઘણું એવું છે જે અનન્ય છે. કોઇ હોટલમાં બેઠા હોઇએ અને કોઇ માંગવા આવે ત્યારે આપણે કદાચ એક રૂપિયો આપતા નથી.
વિચાર તો કરો એ માણસે એક ગરીબ સ્ત્રીને જોઇને આખી જિંદગી એક વસ્ત્ર જ પહેરવાનું વ્રત લઇ લીધું! પ્રજાના દુ:ખ જોઇને દુ:ખી થવું અને તેના સુખ માટે મથવું એ ગાંધીચીંઘ્યો માર્ગ છે. અને તેમણે માત્ર રાજકીય ઉપદેશો નથી આપ્યા પ્રજા જીવન પર એક અમીટ છાપ છોડી છે, અંતમાં એક જ ઉદાહરણ,જે 'ધાર્મિક' લોકોને જગાડવા માટે બસ છે.
'જનોઇ તો હું ધારણ નહીં કરું, અસંખ્ય હિન્દુઓ જે નથી પહેરતાં છતાં હિન્દુ ગણાય છે. તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો વળી જનોઇ ધારણ કરવી એટલે આપણે શુઘ્ધ થવું, ઉર્ઘ્વગામી થવું.
અત્યારે હિન્દુ સમાજ અને હિન્દુસ્તાન પડેલાં છે તેમાં જનોઇ પહેરવાનો આપણને અધિકારી ક્યાં છે. હિન્દુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુવે, ઉચ્ચનીચની વાત ભુલી જાય, બીજા ઘર કરી ગયેલાં દોષો કાઢે. ચોમેર ફેલાયેલાં અધર્મ પાખંડ દૂર કરે ત્યારે તેને જનોઇનો અધિકાર ભલે હો'.
Sent by Shri Vimal Dobariya, SSAM, Jilla Panchayat, A'bad.. 9898887088.