બાળક પૂછે છે : 'શા માટે લોકો મરી જાય છે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.' એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: 'તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.'
મહાન ગ્રીક લેખક નિકોસ કઝાનત્ઝાકિસે (૧૮૮૩-૧૯૫૭) 'રિપોર્ટ ટુ ગ્રેકો' નામની નવલકથા લખી છે. એ નવલકથામાં એમણે એમના જીવનની વિગતોનું નિરૂપણ કર્યું છે. એમાં એમણે એમના બાળપણની વાતો પણ અદ્ભૂત સર્જનાત્મકતા સાથે નિરૂપી છે.
અહીં બે પ્રસંગો મૂકું છું, જેના પરથી સંઘર્ષનો અને મૃત્યુનો અર્થ બાળકને જીવનમાં પહેલી વાર કેવી રીતે પહોંચે છે એ બે મુદ્દાઓ સમજી શકાય છે.
નિકોસ જ્યારે ત્રણ વરસના હતા ત્યારે એમના પડોશમાં એક તુર્કી કુટુંબ રહેતું હતું. મા દરરોજ બીજાને ઘેર કામ કરવા જતી. એની ચાર વરસની દીકરી એમની એકલી ઘરમાં રહેતી.
તેની સાથે રમવા જવા માટે બાળક નિકોસને કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે અને એ રીતે નાના બાળક માટે નાનપણમાં નાની વાતો પણ કેટલી વિકટ બની જાય છે તેની આ વાત છે.
લેખક લખે છે : 'એમીનની મા કયા સમયે ઘરની બહાર જતી તેની મને ખબર રહેતી. એ સમયે હું અમારા ઘરના શેરીમાં પડતા બારણા પાસે પહોંચી જતો અને એમીનને એના ઘરના ઉંબર પાસે બેઠેલી જોતો. એક દિવસ મેં ઇશારો કરીને એને જણાવ્યું કે હું એની સાથે રમવા માટે ત્યાં આવું છું, પરંતુ એના ઘરમાં પહોંચવા માટે ત્રણ પગથિયાં આવેલાં હતાં.
હું એના પર કેવી રીતે ચઢી શકીશ? મેં પ્રયત્નો શરૂ કર્યા. મને પરસેવો વળી આવ્યો, મેં ખૂબ પ્રયત્નો કર્યા, મહામહેનતે હું પહેલું પગથિયું ચઢવામાં સફળ થયો. હવે બીજું પગથિયું. એના પર ચઢવા માટે મારે ફરી નવો પ્રયાસ શરૂ કરવાનો હતો.
મેં એમીનની સામે જોવા માટે આંખો ઊચી કરી. એને તો મારા સંઘર્ષની કશી જ પડી નહોતી. મને મદદ કરવા માટે એણે હાથ લંબાવ્યો નહીં અને મને જોતી રહી, જાણે કહેતી હતી: જો તું એવું કરી શકે તેમ ન હોય તો પાછો વળી જા.
પરંતુ મેં બીજાં બે પગથિયાં ચડવા માટે અથાક મહેનત કરી અને છેવટે એ જ્યાં બેઠી હતી તે ઉંબરમાં પહોંચી ગયો. ત્યારે એ ઊભી થઈ, મારો હાથ પકડ્યો અને મને અંદર લઈ લીધો.' નાનપણમાં ત્રણ પગથિયાં પણ ચઢવા માટે કરવો પડેલો સંઘર્ષ લેખકને જિંદગીભર યાદ રહી જાય છે. એ એમની જિંદગીની પહેલી સફળતા હતી.
લેખકને બાળપણમાં મૃત્યુનો અર્થ પહેલીવાર કેવી રીતે સમજાય છે તેના વિશેનો પ્રસંગ પણ એમણે અદ્ભુત રીતે આલેખ્યો છે. એક બપોરે લેખક એમના કાકા સાથે ચર્ચ પાછળ આવેલા કબ્રસ્તાનમાં જાય છે. એ વખતે એમની ઉંમર ચાર વર્ષની છે. ચર્ચની પાછળ પહોંચે છે ત્યારે બાળક કાળાં વસ્ત્રો પહેરીને કબરની આજુબાજુ ઊભેલી ચાર-પાંચ સ્ત્રીઓને જુએ છે.
એ પુરુષો એક કબર ઉઘાડી રહ્યા છે. એમાંનો એક જણ ખુલ્લી કબરમાં ખાડો ખોદવા લાગે છે. બાળક પૂછે છે ત્યારે તેના કાકા કહે છે એ લોકો હાડકાં બહાર કાઢે છે. બાળકને સમજાતું નથી કે હાડકાં એટલે શું. થોડીવાર પછી ખાડો ખોડી રહેલો માણસ ઊભો થાય છે. એના હાથમાં ખોપરી છે. એ એના પરથી ધૂળ ખંખેરે છે.
આંખોના ખાડામાં આંગળી નાખીને માટી બહાર કાઢે છે. બાળક પૂછે છે 'આ શું છે?' કાકા કહે છે, 'તને દેખાતું નથી?' આ ખોપરી છે. 'બાળક પૂછે છે : 'કોની?' કાકા કહે છે 'તને યાદ નથી? આપણા ઘરની બાજુમાં અન્નિકા નામની સ્ત્રી રહેતી હતી? એની આ ખોપરી છે.'
બાળકને કશું સમજાતું નથી, છતાં એને લાગે છે કે કશુંક બરાબર નથી. એ રડવા લાગે છે. એ રડતો રડતો અન્નિકાને યાદ કરે છે. 'એ તો ખૂબ રૂપાળી હતી એના શરીરમાંથી સુગંધ ઊઠતી રહેતી. એ મારા ઘરે આવતી, મને એના ખોળામાં બેસાડતી, કાંસકાથી મારા વાળની ગૂંચ કાઢતી.
એ મને ગલીપચી કરતી અને હું હસતો - હું પક્ષીની જેમ ચહેકાટ કરી ઊઠતો.' કાકા એને ઊચકી લે છે. પૂછે છે : 'તું રડે છે કેમ? તને ખબર નથી - એ મૃત્યુ પામી છે? આપણે બધાં મૃત્યુ પામવાનાં છીએ.'
પરંતુ એ વખતે બાળક તો પેલી સ્ત્રીના સુંદર વાળ, એની મોટી મોટી આંખો અને રતાશ પડતા હોઠો વિશે જ વિચારતો હતો. એને હવે જે દેખાતું હતું તે શું હતું? એ કાકાને પૂછે છે : 'એના વાળ, એના હોઠ, એની આંખો ક્યાં ગયાં?' કાકા એને કહે છે : 'ગયું બધું ગયું. એ બધું ધરતી ભરખી ગઈ.'
બાળક પૂછે છે : 'શા માટે? શા માટે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.' એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: 'તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.'
શું સમજવાનું હોય છે, મોટા થઈને? શું યાદ રાખવાનું હોય છે - પહેલીવાર ત્રણ પગથિયાં ચઢતાં પણ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે તે? એક સુંદર, હસતી, વહાલભર્યો સ્પર્શ કરતી વ્યક્તિના શરીરનું માટીમાં ભળી જવું?
જીવનમાં જ્યારે બધું જ પહેલીવાર બને છે ત્યારે એનો કોઈ અર્થ સમજાતો નથી અને જ્યારે અર્થો સમજાવા લાગે છે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે.
2 comments:
Your valuable comments are most welcome ...it inspire me to improve and to do better in this field and on blog
જીવનમાં જ્યારે બધું જ પહેલીવાર બને છે ત્યારે એનો કોઈ અર્થ સમજાતો નથી અને જ્યારે અર્થો સમજાવા લાગે છે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે.
ekdam true vat..
Post a Comment