ગાંધી કેવી રીતે બનાય ?
ગાંધી કેવી રીતે બનાય ? ગાંધીજી એક સમાજસેવક તરીકે જે રીતે કાર્ય કરતા હતા એ બરાબર જોવા - સમજવાથી અને હિંમત ચાલે તો પછી અનુસરવાથી, એવો જવાબ આપી શકાય. ગાંધીજીને સમજવા માટે તેમના દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મના જીવનકાળને બરાબર જોવો પડે. એક માણસ વહેલી પરોઢથી રાતે ૯-૧૦ વાગ્યા સુધી, પળવાર પગ વાળ્યા વિના, એક પછી એક પ્રવૃત્તિ કેવી રીતે કરતો રહે છે, એ ગાંધીની એક દિવસની દૈનંદિની જોઈએ તો સમજાય. સતત કામ કરવું, એક જ જેવું કામ કશાય કંટાળા - કચવાટ વિના કરવું, એવું જ કામ કરવા અન્યોને પ્રેરવા, એકદમ ધીરજથી મંડયા રહેવું, નાનાં અને નગણ્ય લાગતાં કામ પૂરી લગન અને ચીવટથી કરવાં એ બધાં ગાંધી તત્ત્વો છે. ગાંધીજીના એક દિવસનો ફિનિક્સ આશ્રમનો ચિતાર પ્રભુદાસ ગાંધીએ આપ્યો છે, તે વાંચતાં જણાશે અને પેલા પ્રશ્નનો જવાબ પણ મળી જશે. બે દિવસ પછી ગાંધીજયંતી છે. માત્ર ખાદી ભંડારમાંથી લાવી ખાદીનાં વસ્ત્ર પહેર્યે ગાંધી નથી થવાતું, એ માટે સ્વાવલંબન અને સ્વાશ્રય આવશ્યક બને છે. ગાંધીજયંતી નિમિત્તે ગાંધીના એક દિવસ સાથે યાત્રા કરીએ.
એક સાંજે ટોલ્સ્ટોયવાડીનો આખો કબીલો લઈને બાપુજી ફિનિક્સ આવી પહોંચ્યા અને તેમનું મુખ્ય મથક ફિનિક્સ બન્યું. હું એ સૌનું જમવાનું જોવા ગયો. ત્યાં લાંબા ટેબલની ચોપાસ પચીસ-ત્રીસ જણ મૂંગે મોઢે ઊંધુ ઘાલી જમી રહ્યા હતા અને એકલા બાપુજી ઊભે પગે ટેબલની પ્રદક્ષિણા કરતા ખાવાનું પીરસી રહ્યા હતા. દરેકની પાસે એનેમેલનું એક એક ધોળું તાંસળું અને ચમચો હતાં. દાળ, ભાત, શાક, રોટલી બધું એ જ તાંસળામાં બાપુજી પીરસતા હતા.
રાત પડયે સભા થઈ, ભજનો ગવાયાં. પછી બાપુજીનું પ્રવચન થયું. તેનો જે સાર યાદ રહ્યો છે તે અહીં આપું છું :
"જે કાચાપોચા હતા તે પોતપોતાનાં સગાંવહાલાંઓ પાસે ચાલ્યા ગયા છે. જે અહીં આવ્યા છે તે સમજપૂર્વક આવ્યા છે. અહીં આવીને કેદીનું કડક જીવન આપણે ગાળવાનું છે. જેલના કઠણ જીવન પ્રત્યે જેને અણગમો હોય તે હજીયે પાછા જઈ શકે છે. વખત આવ્યે જેલ જવાની જેને હોંશ હોય તે જ અહીં રહે. અને એમ તો જ બને જો આપણે કેદમાં જ છીએ એમ માની સવારથી સાંજ સુધી વરતીએ."
"આપણા ખાવામાં, પીવામાં, પહેરવામાં કેદીથી પણ વધુ સખ્તી હોય, તો જ કેદમાં ગયા પછી આપણને અકળામણ ન ઊપજે. ધારો કે કેદમાં જવાનું ન થાય અને હિન્દુસ્તાન જવાનું થાય, તોપણ આપણે સાદાઈ અને કડક વ્રતો પાળવાં જ જોઈએ. હિન્દુસ્તાનમાં જઈને આપણે અહીંના કરતાં પણ વધુ કામ કરવાનું છે. આ બધું કરવાને તમે તાજા થઈ જાઓ એ સારુ હું તમને સાત દિવસની છુટ્ટી આપવાનો છું. આવતા રવિવારની સાંજ સુધી તમે મન ભરીને રમી લો, આળસ કરી લો અને જે મજા કરવી હોય તે માણી લો. પછી આપણે કસીને કામ કરશું."
છુટ્ટીઓને છેલ્લે દિવસ સૂરજ ઊંચે ચડયા પછી નાનામોટા સૌ નાળા ઉપર નાહવાધોવા ગયા, ત્યારે હાથમાં વાળ કાપવાનો સંચો લઈને બાપુજી નાળા પર આવી પહોંચ્યા. એમણે રૃપાળા ગુચ્છાવાળા એક છોકરાને બોલાવ્યો અને ચારપાંચ મિનિટમાં તેના માથાના વાળ સફાચટ કરી નાખ્યા. બધા છોકરાઓમાં છૂપો હાહાકાર મચી ગયો. મહામહેનતે ઉછેરેલા પોતાના વાળ બચાવવાની નાની સરખી દલીલ જેણે કરી, તેની સાથે જરાયે ચર્ચામાં ઊતર્યા વિના અને ધમકાવ્યા વિના બાપુજીએ તેને સમજાવી દીધું કે, "આજથી વખત બદલાયો છે. હવે જૂના શોખ વિસારે પાડવાના છે. એ વિસારવા ન પોસાય તો આવતી કાલથી શરૃ થનારા નવા સત્રમાં જોડાવાનું માંડી વાળો ને ઘર ભેગા થાઓ." કલાક - સવા કલાકમાં તો પંદર-સત્તર જણાને મૂંડીને બાપુજી ઝપાટાભેર આગલો કાર્યક્રમ પૂરો કરવા ઘેર પહોંચ્યા.
છોકરાઓ પણ કઠણ હૈયે નાહીપરવારી બાપુજીની પાછળ પાછળ ભોજનના મેજ પર પહોંચ્યા. વાતો, ગપ્પાં વગેરે સુકાઈ ગયું. સૌ મૂંગા મૂંગા ભાણે બેઠાં.
ફિનિક્સમાં સાધારણ રીતે પરોઢિયે ત્રણેક વાગ્યે અને કેટલીયે વાર તો અધરાત પછી દોઢ-બે વાગ્યે બાપુજી પથારી છોડી, દીવો સળગાવી સવાર પડતાં સુધી એકચિત્તે લખવાનું કામ કરતા. નિશાળ, છાત્રાવાસ અને રસોડું એમ ત્રણ જુદી જગ્યાએ વિદ્યાર્થીઓ સૂતા. એકએકની પથારી પાસે જઈ, એમને ઢંઢોળીને જગાડવામાં બાપુજીની સવારનો અર્ધોપોણો કલાક જતો. પો ફાટયે જગાડવા માંડયા હોય, તે બધા ઊઠીને ભેળા થતાં સુધીમાં બાલસૂર્યનાં કિરણો દેખા દેતાં છતાં બાપુજી એ જહેમત કરતાં કદી અધીરા બન્યા હોય એવું મને સાંભળતું નથી.
હોશિયાર માળી પરોઢિયે ઊઠી ધીરજથી એકેક છોડના ક્યારામાં હાથફેરો કરી તેના વિકાસનું અવલોકન કરે, તેમ બાપુજી રોજરોજ પોતાના દરેક વિદ્યાર્થીની પથારી પાસે પ્રભાતમાં પહોંચી જઈ તેની પ્રગતિનું નિરીક્ષણ કરવાનું ન ચૂકતા.
દાતણ ઊકલે ત્યારે મોટો ઘંટ ધણેણી ઊઠતો અને બાળકો, મોટાઓ અને બાપુજી પોતપોતાની કોદાળી, પાવડા કે દાતરડું લઈ ઠરાવેલી જગ્યાએ પહોંચી જતા.
ફિનિક્સને જુદે જુદે ખૂણે ત્રણ ટોળીઓમાં સવારના બે કલાક ખરેખરી મજૂરી ચાલતી. નબળા, નાના અને નગુણા છોકરાઓને બાપુજી પોતાની ટોળકીમાં રાખતા. આઠનો ઘંટ વાગ્યે સૌ રસોડે નાસ્તા માટે જતા.
નવ વાગ્યે તો ફરીથી ઘંટ ગાજી ઊઠતો. આ ઘંટે અમે છોકરાઓ નિશાળે પહોંચતા અને મોટાઓ ફરી પાવડા લઈ બગીચાઓમાં કામે ચડતા. બે કલાકની અમારી એ શાળા વિદ્યારાશિથી છવાયેલા કોઈ વિદ્યાલય કરતાં લગીરે ઓછી ગંભીર ન હતી. શિક્ષક અને વિદ્યાર્થીની એકાગ્રતા, ભણવા - ભણાવવાનો રસ અને પૂરો પરિશ્રમ ત્યાં હતાં.
અગિયાર વાગ્યા સુધી તડામાર ભણતર ચાલતું. અડધા-પોણા કલાકે ટકોરા થતાં વારા પ્રમાણે ભણાવનારા શિક્ષક અમારી પાસે આવી પહોંચતા.
કેટલીક વાર ગુરુજીના પગે ખેતરનો થોડોઘણો ગારો વળગેલો હોય, એમના પહેરણની બાંય કોણી સુધી ચડાવેલી હોય, અને વચ્ચે આવી પડેલું કામ પતાવી ઝટ પાછા ખેતરે પહોંચી જવાની ઉતાવળ એમના ચહેરા પર દેખાઈ આવતી હોય. એવી નિશાળ ભાગ્યે જ કોઈએ જોઈ હશે, જ્યાં ચાલુ નિશાળે મુખ્યાધ્યાપક પાસે પહોંચો તો તેમના હાથમાં વેલણ કે કડછી દીપી રહ્યાં હોય. નિશાળના બે કલાકનો મોટો ભાગ બાપુજી મોટા રસોડામાં મુખ્ય રસોઈયાનું કામ કરવામાં આપતા. પોતાના પચીસ - ત્રીસ બાળકોમાં કોઈને ભાગે કાચી કે બળેલી રોટલી ન આવે એની તેમને ફિકર રહેતી. પરોણાઓને મુલાકાત આપવાનું પણ આ સમયે ચાલતું.
જમીને વાસણ અજવાળ્યા બાદ એક વાગ્યે અમારો બપોરનો કાર્યક્રમ શરૃ થતો. એકથી પાંચ સુધી મોટેરાઓ છાપખાનામાં પોતપોતાનું કામ કરતા. 'ઈન્ડિયન ઓપીનિયન' માટે લેખો લખવાનો બાપુજીનો વખત પણ આ જ હતો. પરોઢિયે બે વાગ્યે ઊઠયા છતાં ખરે બપોરે ક્ષણભર ઝોલું લેવાની તો શું - બગાસું ખાવાનીયે ન હતી તેમને ફુરસદ કે ન હતો તેમના મન, બુદ્ધિ કે શરીરને તલભાર થાક ! જમીને સીધા તેઓ છાપખાનાના દફ્તરમાં પહોંચતા અને એકાગ્ર ચિત્તે સંપાદકીય અને પત્રવ્યવહારનું કામ ઉકેલતા. એમાંથીયે વખત બચાવી મોટા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા અર્ધો કલાક તેઓ અમારી નિશાળમાં આવી જતા. સવારથી સાંજ સુધી ફિનિક્સની અનેક પ્રવૃત્તિઓમાં સૂત્રોનું સંચાલન કરતા હોવા છતાં, નાના-મોટા દરેક ફિનિક્સવાસીની પ્રગતિ અને વિકાસની ચિંતા વહોરવા છતાં, અને એથીયે વધુ પોતાના આત્માને નિખારવાની મથામણમાં તલ્લીન હોવા છતાં, બાપુજી કેવળ ફિનિક્સના કૂંડાળામાં જ પુરાઈને નહોતા બેઠા. આખા દક્ષિણ આફ્રકિમાં એમની નજર ફરતી હતી. નાતાલ, ટ્રાન્સવાલ અને કેપ કોલોનીમાં વસતા હિન્દીઓ સાથેનો મીઠો સંપર્ક તેઓ વધારતા જ જતા હતા. હિન્દુ, ખ્રિસ્તી, મુસલમાન કે પારસી વેપારીઓ, નાનકડા ફેરિયાઓ અને ગિરમીટમાં પડેલા મજૂરો, સૌની અંગત મુશ્કેલીઓ દૂર કરવાની મળે, એટલે બાપુજી એ તકને એળે જવા ન દેતા અને એ રીતે ત્યાં વસતી આખી હિન્દી કોમને એમણે એકસૂત્રે બાંધી રાખી હતી.
થવું છે ગાંધી ? આટલું કરવાનો મનસુબો કરી બીજી ઓક્ટોબરેથી આરંભીએ તો એક વધુ ગાંધી જન્મી શકે. છે તૈયારી ?
યોદ્ધાની રણહાક :
આજે વીરતાનો નાશ થઈ ગયો છે. આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધોળે દહાડે ગામમાં ધાડ પડે. એક હજારની વસ્તીમાં આઠ માણસો આવી લુૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે. આઠ માણસને હઠાવી ન શકે એવા તદ્દન દૂર્બળ ગામડિયા નથી પણ તેઓને મરણનો ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કોણ જોખમમાં નાખે ? એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. જો આપણે આત્મરક્ષણની શક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો જમાનાઓ સુધી સ્વરાજને માટે નાલાયક રહેવાના છીએ.
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
No comments:
Post a Comment